મારું જીવનલક્ષ્ય હિન્દુપ્રજાને બળવાન બનાવવાનું છે, સ્વર્ગ કે મોક્ષ નથી. તેમ જ આ લોકમાં કોઈ મહંત-મંડલેશ્વર કે બીજી કોઈ ઉચ્ચ જગ્યા ઉપર આસીન થવાનું નથી. નથી તો મારે કોઈ પંથ-પરિવાર-સંપ્રદાય પ્રવર્તક થવું. આમાંનું, થોડુંઘણું તો મારે માટે શક્ય છે. પણ આમાંની કોઈ વસ્તુ માટે મેં જરાય પ્રયત્નો કર્યા નથી. મારું લક્ષ્ય તો માત્ર ને માત્ર હિન્દુ પ્રજાને શક્તિશાળી બનાવવાનું છે. હિન્દુ પ્રજા દુર્બળ છે તેની પ્રતીતિ ડગલે ને પગલે થયા કરે છે. તેનાં કારણો જાણીને તે કારણોથી તે મુક્ત થાય તો જ હિન્દુપ્રજા બળવાન થઈ શકે. મને જે કારણો દેખાયાં તેમાં ધર્મ-સંસ્કૃતિ અને અધ્યાત્મ મહત્ત્વનાં કારણો રહ્યાં છે. આ ત્રણે મળીને પ્રજાનું શારીરિક, માનસિક અને બૌદ્ધિક ઘડતર કરે છે. જે પ્રજા શરીરથી દૂબળી, પાતળી, ફિક્કી અને નિસ્તેજ હોય, તે બળવાન ન હોય. આવું માત્ર ગરીબીને કારણે જ થાય છે તેવું નથી. સુખી ગણાતી પ્રજા પણ મોટા ભાગે આવી જ છે. કદાચ ગરીબો કરતાં વધુ દુર્બળ છે. પેટની ફાંદ કે ચરબીને બળનું પ્રતીક માનવાની ભૂલ ન કરવી જોઈએ. તે તો દુર્બળતાનું જ નહિ રોગનું પણ પ્રતીક છે.