બ્રિટન-અમેરિકાની યાત્રા ધર્મયાત્રા હતી, ઘણાં પ્રવચનો થયાં. પ્રત્યેક સ્થળે લોકોની પુષ્કળ ભીડ ઊમટી પડતી. છેલ્લાં આઠ વર્ષમાં લોકો કૅસેટો-પુસ્તકોના દ્વારા મારા વધુ સમીપમાં આવ્યા છે, તે ડગલે ને પગલે અનુભવાયું. આ બધાથી મને પ્રોત્સાહન મળ્યું. એક તરફ સંપ્રદાયવાળા, ચમત્કારવાળા, કર્મકાંડવાળા, યજ્ઞોવાળા અને જુદા જુદા પરિવારવાળા નાનાં-મોટાં ગ્રૂપો પકડીને બેઠા છે તો બીજી તરફ કોઈ પણ ગ્રૂપમાં ન પડનાર અને સ્વતંત્ર રીતે સનાતન ધર્મનો આગ્રહ રાખનાર લોકો પણ છે. પણ હવે લોકો કાંઈક વિચારતા, સમજતા થયા દેખાય છે. ઇંગ્લૅન્ડ-અમેરિકાની સફળ ધર્મયાત્રા પૂરી કરીને અમે રશિયા તરફ ચાલ્યા, ત્યાં ધર્મયાત્રા ન હતી. પ્રવાસયાત્રા હતી. કદાચ અમે જે રીતે યાત્રા કરી તે રીતે ભાગ્યે જ કોઈ ગુજરાતીએ કરી હશે. લોકો રશિયા જાય, પણ મોસ્કો, પિટર્સબર્ગ, લેનિનગ્રાડ વગેરે જોઈને પાછા આવી જાય અને સમજી લે કે રશિયાની યાત્રા થઈ ગઈ. પણ ખરેખર તે યાત્રા ખરી યાત્રા નથી હોતી. ખરું રશિયા તો દૂર પૂર્વમાં વસેલું છે. તે જોવું જોઈએ. એ જોવા માટેનું સરળ સાધન હતું ટ્રાન્સ સાઈબેરિયન રેલવે. અમે તેમાં દશેક દિવસ ટુકડે ટુકડે પ્રવાસ કર્યો, જે અદ્ભુત અને રોમાંચક રહ્યો. સૌથી વધુ પ્રભાવિત કરનારું સ્થળ હતું—‘લેક બાઇકલ’. મને લાગે છે કે રશિયા જનારે લેક બાઇકલ જોવા જરૂર જવું જોઈએ. અમને રશિયાની સ્થિતિ જોઈને એવી છાપ પડી કે રશિયા ભંગાર થઈ ગયું છે. જે હેતુ માટે ક્રાન્તિ કરવામાં આવી હતી તે હેતુ પૂરો થયો જ નથી. જે ક્રાન્તિમાં લાખ્ખો માણસોની હત્યાઓ કરવી પડી—એટલા માટે કે ખેડૂતો અને મજદૂરો શોષણ અને દમનમાંથી મુક્ત થાય—તે હેતુ પૂરો પડ્યો નથી, ઊલટાનું બેકારી, ગરીબી, અપરાધો વધ્યાં છે. મકાનોનો અભાવ, રસ્તાઓનો અભાવ, નોકરીઓનો અભાવ વધ્યો છે. લોકો સુખી નથી. આ બધા અભાવોની સાથે સૌથી મોટી પીડા હતી વાણી-સ્વાતંત્ર્યના અભાવની.