પ્રવાસમાં મારો દૃષ્ટિકોણ મારા ભારત દેશને પણ આવો સુખી-સમૃદ્ધ અને સુરક્ષિત કેમ બનાવવો તે રહ્યો છે. આપણે ક્યાં ભૂલો કરીએ છીએ અને આપણે હવે શું કરવું જોઈએ તે અભિગમ મુખ્ય રહ્યો છે. આ દેશો સુખી-સમૃદ્ધ કેવી રીતે બન્યા અને આપણે તેવા કેમ ના બન્યા તે પણ જોવા-જાણવા-સમજવાનો પ્રયત્ન થતો રહ્યો છે. એટલે પ્રસ્તુત પુસ્તકને માત્ર કોઈ પ્રવાસવર્ણનનું પુસ્તક ન માની લે. પ્રવાસવર્ણનની સાથે તેમાં ચિંતન પણ છે. ખરું કહું તો પ્રવાસ તો નિમિત્ત છે. પ્રવાસના માધ્યમથી તેમાં મેં મારું ચિંતન-વિચારો-દર્શન-દૃષ્ટિકોણ જ વધુ મૂક્યાં છે. શક્ય છે કે તે કોઈને ગમે, કોઈને ના પણ ગમે, પણ મેં મારી શક્ય તેટલી તટસ્થતાથી આ વિચારો રાખ્યા છે. માત્ર હું જ નહિ, પણ સાથેનાં બધાં પ્રવાસીઓ આ દેશોથી પ્રભાવિત થયાં જ હતાં. ખાસ કરીને અપરાધોની એકદમ ન્યૂનતા ખૂબ જ પ્રભાવિત કરનારી વસ્તુ હતી. નર-નારીઓનું ઉત્તમ આરોગ્ય, સ્ફૂર્તિ, તેજસ્વિતા અને મિલનસાર વૃત્તિ આ બધું પ્રભાવકારી હતું જ. સ્વચ્છતાના પાઠ તો જેટલા ભણાય તેટલા થોડા. જ્યાં ચોખ્ખાં ટોઇલેટ જ ટોઇલેટ.