અર્વાચીન યુગમાં પ્રાચીન ગુરુકુલ શિક્ષાપદ્ધતિ ઉજાગર કરી. ગુરુકુલનું બાહ્ય ક્લેવર બદલ્યું પરંતુ એનો અંતરાત્મા તો પ્રાચીન ગુરુકુલોમાં ઋષિમુનિઓએ શીખવેલાં જીવનમૂલ્યોથી ધબકતો રહ્યો. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ઘણીવાર કહેતા કે... જે શીખવે એનું નામ શિક્ષણ. જે કેળવે એનું નામ કેળવણી.
પહેલાના જમાનામાં શિક્ષણનો હેતુ ‘મેન મેકિંગ’નો હતો; આજે ‘મની મેકિંગ’નો બની ગયો છે. શાસ્ત્રીજી મહારાજે રહેવા, જમવા અને ભણવા સાથે રોજના એક રૂપિયા જેવા લવાજમમાં હજારો વિધાર્થીઓને વિધા, સદ્વિધા અને બ્રહ્મવિધાના પાઠ ભણાવ્યા.
બાળકોને હેત, હૂંફ અને હામ આપનારા શાસ્ત્રીજી મહારાજે યુવાનોની તેમજ સંતોની શક્તિને પારખી, પોષી અને વિકસાવી છે પરિણામે ૨૭૫ સંતો દેશવિદેશમાં ૫૧ ગુરુકુલોનાં માધ્યમે ધાર્મિક, શૈક્ષણિક ને સામાજિક સેવાકાર્યો કરી રહ્યાં છે.
ભારતની ભૂમિ આઝાદ થઈ, આઝાદ દેશનાં સંતાનો સંસ્કાર અને સંસ્કૃતિના વારસાને, કૃષિ અને ઋષિના વારસાને જાળવી રાખે એવી ભાવનાથી આરંભાયેલ રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ બાગના ૭૫ વર્ષે ગુરુદેવનાં જીવન અને કાર્યોને કઈંક અંશે અહીં ઉજાગર કરવાનો પ્રયત્ન શ્રી પ્રભુ સ્વામીએ કર્યો છે. આ કાર્યમાં આર્થિક સહયોગ આપનાર તથા અન્ય સહયોગી સર્વેનું ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વ પ્રકારે મંગળ કરે એવા શુભાશીર્વાદ સહ...