એ પછી સંપ્રદાયની વિશેષ પુષ્ટિ માટે પોતે નરવિગ્રહ ધારણ કરીને પ્રાગટ્યથી માંડીને અંતરધાન સુધીનાં દિવ્યમાનુષી ચરિત્રો, આચરણરૂપ ધર્મ, પ્રૌઢપ્રતાપ અને મહિમાનું સુમધુર ગાન કરતા બે અનુપમ શાસ્ત્રો પોતાની હયાતીમાં જ અનેરું માર્ગદર્શન આપીને રચાવ્યાં. સરસ ગુજરાતી પદ્યમાં લોકભોગ્ય ઢાળમાં સદ્. શ્રી નિષ્કુળાનંદ મુનિ દ્વારા ભક્તચિંતામણિ અને બીજો સંસ્કૃત ભાષામાં પદ્યગીર્વાણ ગ્રંથ સત્સંગિજીવન. આ બન્ને ગ્રંથોમાં સત્સંગ પોષણનું પરિપૂર્ણ પાથેય સભર ભર્યું છે. ભક્તચિંતામણિ ગ્રંથ સત્સંગમાં હોંશે હોંશે મહિમાથી વંચાય છે અને ગીર્વાણ ગ્રંથ સત્સંગિજીવનની સપ્તાહ પારાયણ યોજાય છે ત્યારે સંપ્રદાયના વક્તા સંતો આ ધર્મશાસ્ત્ર સત્સંગિજીવનનું શ્રવણ કરાવીને વર્ષોથી સત્સંગ સમાજને ભક્તિરસથી ભીંજવી રહ્યા છે.
પ્રસ્તુત શ્રીમદ્ ગ્રંથ સત્સંગિજીવનની વિશેષ વાત કરીએ તો દેવ, મંદિર, શાસ્ત્ર, આચાર્ય, સાધુ અને સત્સંગ. આ ષડંગ સત્સંગને પોષણ આપે એવો આ સર્વોપરી ગ્રંથ છે. આમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું હાર્દ, સિદ્ધાંતો, ધર્મ, નીતિમત્તા અને શ્રીહરિના દિવ્યમાનુષી ચરિત્રો સમાયાં છે. સંસ્કૃત ભાષામાં આવો સર્વોપરી ગ્રંથ સંપ્રદાયમાં બીજો નથી.
ગ્રંથકર્તા સદ્. શતાનંદ સ્વામી કહે છે કે, આ સત્સંગિજીવન ગ્રંથનું મારા મુખે શ્રવણ કરીને ઈષ્ટદેવ શ્રીહરિ સ્વયં સહર્ષ બોલી ઉઠયા. ''આ સત્સંગિજીવન રમણીય અને સર્વ શાસ્ત્રોમાં શિરોમણિ છે.''
ગઢડા મધ્યના ૩૫મા, જારની ખાણના વચનામૃતમાં શ્રીજી મહારાજ શ્રીમુખે કહે છે કે ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી, ભગવાનના અવતાર ચરિત્રનું શ્રવણ કીર્તન કરવું, ભગવાનનું નામસ્મરણ કરવું અને પોતપોતાના ધર્મમાં રહેવું. આ ચાર વાનાં જીવના અતિશય કલ્યાણને અર્થે છે. એટલું જ નહિ વહાણમાં બેસીને સમુદ્રને તરવો એવો સુગમ માર્ગ છે. આ ચારેય બાબતની આ ગ્રંથમાં ખૂબ દૃઢતા થયેલ છે.
સંત શિરોમણિ સદ્. શ્રી મુક્તાનંદ સ્વામી આ સત્સંગિજીવન ગ્રંથના મહાત્મ્યમાં લખે છે કે આ સત્સંગિજીવન શાસ્ત્ર ભગવાન શ્રીસ્વામિનારાયણનું વાંગમય સ્વરૂપ છે. આ ગ્રંથનું પહેલું પ્રકરણ શ્રીહરિનું મુખારવિંદ છે, બીજું પ્રકરણ હૃદયકમળ છે, ત્રીજું પ્રકરણ ઉદર છે, ચોથુ પ્રકરણ જાનુ-ઘૂંટણ છે અને પાંચમું પ્રકરણ શ્રીહરિના શ્રીચરણ છે.
ભગવાનનાં ચરિત્રોનો અપાર મહિમા છે. એટલું જ નહિ એ હરિચરિત્રો શાંતિપ્રદ અને મોક્ષમૂલક પણ છે. આત્મદર્શન કે બ્રહ્મદર્શન કરતાં પણ ઈષ્ટદેવનાં ચરિત્રોનું ગાન કે શ્રવણ ખૂબ અધિક છે. એટલે તો ગઢડા પ્રથમના ત્રીજા વચનામૃતમાં શ્રીજી મહારાજ જેને અંતરમાં ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય તેને પણ ભગવાનનાં ચરિત્રોને સંભારી રાખવાની ભલામણ કરે છે. વળી કારિયાણીના ૧૨મા વચનામૃતમાં પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી એથી બીજું મનને સ્થિર થવાનું અને નિર્વિષયી થવાનું કોઈ મોટું સાધન નથી એમ ભારપૂર્વક જણાવ્યું છે.
મૈત્રેય ઋષિના અવતાર મનાતા આર્ષદૃષ્ટા શતાનંદ સ્વામીએ આ ગ્રંથનું નામ સત્સંગિજીવન રાખ્યું. એ પણ સાર્થક અને યથાર્થ છે. કારણ કે આ શાસ્ત્ર સત્સંગિઓ માટે જીવનદોરીરૂપ છે. પાંચમા પ્રકરણમાં શતાનંદ સ્વામી જણાવે છે કે શ્રીહરિના આશ્રિત સત્સંગીઓ માટે શાસ્ત્ર જીવનરૂપ હોવાથી સર્વ સત્સંગીજનોએ આ ગ્રંથનું સેવન કરવું.
સત્સંગિજીવનના મહાત્મ્યના બીજા અધ્યાયમાં શતાનંદ સ્વામી કહે છે કે એક મુહૂર્ત (૪૮ મિનિટ) અથવા અર્ધ મુહૂર્ત અરે એટલું જ નહિ એક ક્ષણવાર પણ જો ભક્તિભાવથી આ સત્સંગિજીવનની કથાનું શ્રવણ કરનારની કદી અસદ્ગતિ થતી નથી. એવું બળવાન, પ્રાણવાન અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના જીવન-કવનને વર્ણવતું આ અનુપમ અને અદ્વિતીય શાસ્ત્ર છે.