પ્રજા ચાર રીતે ઘડાતી હોય છે. (1) ધર્મશાસ્ત્રો અને ધર્માચાર્યોના ઉપદેશોથી, (2) રાજા અને વડીલોનાં આચરણોથી, (3) દંડથી, (4) લોકસાહિત્યથી. 1. ધર્મશાસ્ત્રો અને ધર્માચાર્યોના ઉપદેશોથી પ્રજાના ઘડતરમાં ધર્મ મહત્ત્વનો સ્થાયી ભાગ ભજવતો હોય છે. હિન્દુ અને મુસ્લિમના ઘડતરમાં પાયાનો ભેદ ધર્મ કરાવે છે. હિન્દુઓ ઉપર અહિંસાવાદી ધર્મો અને પરલોકવાદી મુખ્ય વિચારધારાનો અત્યંત પ્રભાવ રહ્યો છે. તેથી તે શસ્ત્રવિમુખ, વીરતાવિમુખ અને સંસારવિમુખ થતી જોઈ શકાય છે. આપણી પાસે જેટલા ત્યાગી-વીતરાગી સાધુ-સાધ્વીઓનાં ટોળાં છે તેવાં અને તેટલાં કોઈની પાસે નથી. આ બધા પરલોકવાદી મોક્ષમાર્ગી છે. આપણો મોક્ષ ત્યાગમાંથી જ પ્રાપ્ત થાય છે. તેથી ત્યાગીઓનાં ટોળેટોળાં જોવા મળે છે. રોમૅંટિક ધર્મોનો મોક્ષ ત્યાગથી નહિ, ઈમાન અને ઈશ્વરકૃપાથી પ્રાપ્ત થાય છે. જેથી તેમના ત્યાં ત્યાગી-વીતરાગીઓનાં ટોળાં જોવા નથી મળતાં. જે હોય છે તે ધર્મપ્રચાર-પ્રસાર માટે સક્રિય હોય છે. નિષ્ક્રિય નથી હોતા. સૌથી મોટું પુણ્ય કોઈ બિન મુસ્લિમને કે બિન ખ્રિસ્તીને મુસ્લિમ બનાવવાનું હોય છે. આપણે ત્યાં આવું કોઈ પુણ્ય નથી. આપણું સૌથી મોટું પુણ્ય ગંગાસ્નાનથી પ્રાપ્ત થાય છે. જેથી ત્યાં ટોળાંનાં ટોળાં કડકડતી ઠંડીમાં પણ ડૂબકી લગાવતાં જોવા મળશે. આ ધર્મઘડતર કહેવાય.