આજના જેવી કાગળ, કલમ, શાહી કે પ્રિન્ટિંગ પ્રેસની કોઈ સુવિધા ન હોવા છતાં એ પ્રબળ પુરુષાર્થી સંતોએ કેટકેટલું સાહિત્ય સર્જન કર્યું. એમાંથી કેટલુંક છપાણું છે અને કેટલુંક જેમનું તેમ પડયું છે.
શ્રીજી સમકાલિન સંપ્રદાયમાં નંદ સંતોમાં ત્રણ સંતોના નામ યોગાનંદ સ્વામી તરીકે ઉલ્લેખ થયેલ છે. તેમાં એક યોગાનંદ સ્વામી રામગ્રી ગામના જીવરાજ પટેલના દીકરા હતા. તે સાધુગુણે સંપન્ન સારા સંત હતા.
બીજા યોગાનંદ સ્વામી ગાંધીનગરની બાજુમાં પેથાપુર પાસે કોલવડા ગામના ગરાસિયા પરિવારના દીકરા હતા. તેમના માતુશ્રી રતિબા શ્રીહરિના એકાંતિક ભક્ત હતા. તેમણે પોતાના ચારેય દીકરાઓને વૈરાગ્ય થવાથી શ્રીહરિને સાધુ થવા અર્પણ કરેલા. તેમાં સૌથી નાના ભાઈ તે સંપ્રદાયમાં નાના યોગાનંદ સ્વામી તરીકે ઓળખાતા.
ત્રીજા યોગાનંદ સ્વામી ઉત્તર ગુજરાતના ગળોધર ગામના રાજવંશી રજપૂત જ્ઞાતિના હતા. તેઓ મહાયોગી, સર્વોત્તમ વિદ્વાન, મધુર કવિ અને શ્રેષ્ઠ સંગીતજ્ઞ હતા. તેમણે ઘણું સાહિત્ય સર્જન કર્યું છે. તેઓ ઈષ્ટદેવ શ્રીહરિના અનન્ય ઉપાસક એકાંતિક સંત હતા. સદ્. યોગાનંદ સ્વામી સંતગુણ સંપન્ન અને સારા ગવૈયા પણ હતા. મધુર હલકથી કીર્તનનું ગાન કરીને શ્રીહરિ તેમજ સંત હરિભક્તોને રાજી કરતા. પોતે પણ કેટલાંક કીર્તનોની સરળ રચના કરી છે. એમણે રચેલ કીર્તન ‘મારે મંદિર પધાર્યા શ્યામ થઈ બડભાગી’ આજે પણ ભક્તિભાવથી સત્સંગમાં ગવાય છે. ગઢડા પ્રથમના ૭૮મા વચનામૃતમાં યોગાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી અને શિવાનંદ સ્વામી ઉપર રાજી થઈને શ્રીહરિએ એમના હૃદયમાં ચરણારવિંદ આપીને એમને મોટેરા ગણાવીને પ્રશંસા કરેલ.
સદ્. યોગાનંદ સ્વામીએ (૧) પ્રશ્નોત્તર સાગર (૨) બુધરંજની, (૩) શ્રીહરિસ્વરૂપ નિર્ણય (૪) વીસેક સ્તોત્રો (૫) વિશિષ્ટાદ્વૈત વિજયવાદ વગેરે ગ્રંથોનું સુંદર નિરૂપણ કર્યું છે. જે એમના જીવનકવન સાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ગાંધીનગર દ્વારા ૨૫૦ પેઈજમાં સુંદર પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયેલ છે.
સદ્. યોગાનંદ સ્વામી રચિત પ્રશ્નોત્તર સાગરની હસ્તલિખિત પ્રત અમોને પ્રાપ્ત થયેલ. જેને સદ્વિદ્યા માસિકમાં છેલ્લા કેટલાક વર્ષથી પ્રસિદ્ધ કરતા રહ્યા.
સચોટ પ્રશ્નોત્તરરૂપે રજૂ થયેલ આ પ્રેરણાદાયી, શાસ્ત્રસંમત જ્ઞાનસભર માહિતીને અધ્યાત્મ જીવનમાં ઉપયોગી છે તેમજ ગુરુકુલના વિદ્યાર્થીઓને તથા બાળયુવા સત્સંગ મંડળમાં લેવાતી ધાર્મિક પરીક્ષાઓમાં પણ સાહિત્ય સંગ્રહ તરીકે પણ જરૂર ઉપયોગી છે.