કપટી ને મિથ્યાભિમાની કૌરવો સામે મક્કમતાથી લડી લેવાના મિજાજથી અર્જુન કરેલા સૂચનથી સારથિ શ્રીકૃષ્ણ ભગવાને કપિધ્વજ રથને બન્ને સેના વચ્ચે ઊભો રાખ્યો. અર્જુન શત્રુ સેના તરફ મીટ માંડી તો લડવા તૈયાર ઊભેલા પૂજનીય ગુરુજનો અને સંબંધીઓ જોવામાં આવતાંની સાથે જ એનો યુદ્ધ કરવાનો ઉન્માદ તુરત ઉતરી ગયો. એ ધીર ધ્રૂજી ઊઠયો ને ગાંડિવ હાથમાંથી સરી પડ્યું. એ બોલી ઊઠ્યો માટે આ ગુરુજનો સામે લડવું જ નથી. એના સંહારનું ઘોરપાપ મારે કરવું નથી. એથી મળતું રાજ્ય પણ અમારે નથી જોતું. એના કરતાં ભટકીને ભલે ભૂખે મરવું પડે. એ મને મંજૂર છે.
આમ અચાનક યુદ્ધના ટાંકણે જ હિંમત હારીને નામદર્ બનેલ અર્જુનને માથે આવી પડેલ કર્તવ્યનું ભાન કરાવવા ને હિંમત આપી યુદ્ધમાં સામી છાતીએ લડી લેવાના આપદ્ ધર્મ-કર્મનો મર્મ સમજાવવા માટે શ્રીકૃષ્ણ ભગવાને જીવન કર્તવ્યનાં જે ગૂઢ રહસ્યો ઉચ્ચાર્યા એમાંથી આ ગીતાજીનું સજર્ન થયું છે.
વ્રજજીવનની વેણુમાધુરીએ જેમ વ્રજવાસીઓને રસમુગ્ધ કર્યા તેમ પાર્થસારર્થિના આ ગીતાના ગહન જ્ઞાને વિશ્વભરના તત્ત્વજ્ઞાનીઓ અને અધ્યાત્મના ચિંતકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. તત્ત્વજ્ઞાનના વિશાળ સાહિત્યક્ષેત્રે જગત પાસે આજે જે કાંઈ સજર્નો છે. તેમાં આ ગીતાજ્ઞાન તો સૌથી ગહન, ઊંડુ, સચોટ અને ત્રિકાલાબાધિત સજર્ન છે. તેમાં ઉપનિષદોનો અનેરો અર્ક ઘુંટાયો છે. વેદવેદાંત અને સત્શાસ્ત્રોનો સુગમ સાર સમાયો છે. એથી જ શ્રીમદ્ ભગવદ્ ગીતાને સમગ્ર માનવજાત માટે અનુપમ અને અદ્ભુત અમર વારસો માનવામાં આવે છે. પરબ્રહ્મ પરમાત્મા શ્રીસ્વામિનારાયણે પોતાના આ શ્રીકૃષ્ણ અવતારમાં અર્જુનને પ્રબોધેલ આ ગીતા જ્ઞાનનો પોતાનાં વચનામૃતમાં વારંવાર ઉલ્લેખ કરેલ છે અને શિક્ષાપત્રીમાં ગીતાજીને આદરપૂર્વક માન્ય કરી છે.
ગીતાકાર શ્રીગોવિંદજી ભારપૂર્વક કહે છે કે, માનવજીવન પણ એક રણસંગ્રામ જ છે. જીવનમાં આવતી મુસીબતોથી ડરવાનું કે ગભરાઈને ભાગી જવાનું નથી પણ પ્રભુને ભેળા રાખી અદમ્ય ઉત્સાહ અને અડગ શ્રદ્ધાથી ઝઝૂમવાનું છે. ફળની આશા વિના કર્મ કરતા રહો. ઈશ્વરને સાથે રાખીને નિષ્કામભાવે કરેલ કર્મ બંધન કરતું નથી. ઈશ્વરને આગળ રાખીને કુશળતાથી કરેલ કર્મ જ યોગ છે. મારો ભક્ત કરી નાશ પામતો નથી. એના યોગ અને ક્ષેમનું વાહન કરવા હું સદા તત્પર રહું છું. ગીતાજીમાં અખૂટ આશ્વાસનો સમાએલાં છે જે જીવનમાં આવતા સંઘર્ષો સામે ટકી રહેવાનું પ્રેરણાબળ પૂરું પાડે છે.
પૂ. મહંત સ્વામીની અનુજ્ઞાથી ગીતાજીની આ પ્રથમ આવૃત્તિને સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીના ગીતાભાષ્યને આધારે સંકલન કરીને પ્રસિદ્ધ કરેલ છે.