संस्थाप्य विप्रं विद्वांसं पाठशालां विद्याप्यच ।
प्रवर्तनीया सद्विद्या भुवि यत्सुकृतं महत् ।।
વિદ્યાર્થી ભણાવ્યાની શાળા કરાવીને તેમાં એક વિદ્વાન બ્રાહ્મણને રાખીને પૃથ્વીમાં સદ્વિદ્યાની પ્રવૃત્તિ કરાવવી કેમજે વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે.
પરબ્રહ્મ પરમાત્મા સહજાનંદ સ્વામીના આ મંગળ આદેશને અનુલક્ષીને અમારા ગુરુ પૂજય સદ્. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ આઝાદીના ઉષાકાળે રળિયામણા રાજકોટને પોતાનું કાર્યક્ષેત્ર બનાવીને સને 1948માં અત્રે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની સ્થાપના કરીને કેળવણી ક્ષેત્રે વિદ્યા સાથે સદ્વિદ્યાનો સુમેળ સાધીને શિક્ષણનો એક નૂતન દૃષ્ટિકોણ રજુ કર્યો. એટલુંજ નહિ સાથે સાથે પ્રાચીન ગુરુકુલ પ્રણાલીનો પુનરોદ્ધાર પણ કર્યો.
પૂજયપાદ્ શાસ્ત્રીજી મહારાજ પોતાના મનનીય પ્રવચનમાં ગુરુકુલની સંસ્કાર સિંચન પ્રવૃત્તિ અંગે ઘણીવાર કહેતા કે નાનાં બાળકોનાં માનસ નિર્દોષ અને કોરી પાટી જેવા સ્વચ્છ હોય છે એટલે થોડી મહેનતે એમનાં જીવનમાં સંસ્કારોની ભાત ઉપસી આવે છે. વળી નાનાં બાળકો કોમળ હોવાથી કુમળા છોડની જેમ વાળીએ તેમ વળે છે. વૃક્ષ મોટું થયા પછી એને વાળી શકાતું નથી. કાચે ઘડે કાંઠા ચડે પણ પાકે ઘડે કાંઠા ચડતા નથી. નાનાં બાળકોમાં તર્કશકિત ન હોવાથી એ આજ્ઞાપાલક હોય છે તેથી એને જે કહેવામાં આવે એ બાબત તુરત ગ્રહણ કરીને જીવનમાં વણવા પ્રયાસ કરતા હોય છે.
આવાં કારણોથી અમે નાનાં બાળકોનાં જીવન સત્સંગના સંસ્કારોથી રંગવામાં સફળ થયા છીએ. બચપણથી જે ટેવ પડે એ જીવનમાં આગળ જતાં ખૂબ ઉપયોગી અને લાભદાયી બને છે.
જૂના જમાનામાં સદાચાર-ધર્મના અને નીતિમત્તાના શુભ સંસ્કારો બાલ્યાવસ્થામાંથી જ આપવામાં આવતા અને તેથી પ્રજા સુસંસ્કારી, વિવેકી અને વિનયવાન બનતી. આજે શાળાઓ અને મહાશાળાઓમાં સંસ્કાર વિહીન શિક્ષણ આપવામાં આવે છે. એનાં પરિણામો આજે સમાજ ભોગવી રહ્યો છે.
આજથી પાંચેક દાયકા પહેલાં રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનજીએ પોતાના પ્રવચનમાં કહેલું કે આજે કેળવણીમાં કાંઇક ખૂટે છે. એ ખૂટતી કડી છે અધ્યાત્મની, સદ્વિદ્યા અને સંસ્કારની. ગુરુકુલનું શિક્ષણ એની પૂર્તિ કરે છે.
ધર્મપાલનના હિમાયતી પૂજય સદ્. શાસ્ત્રીજી મહારાજ, નિર્વ્યસની જીવનના આગ્રહી પુરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસજી અને શિક્ષણવિદ્ કવિશ્રી ત્રિભુવનભાઇ વ્યાસે વિચારણા કરીને ગુરુકુલના વિદ્યાર્થીઓ માટે એવો સરસ દૈનિક કાર્યક્રમ ગોઠવ્યો કે જેથી એમનાં જીવનમાં સહજે સંસ્કાર અને સુટેવો વણાતાં રહે. વિશેષમાં રોજ અરધો કલાક ધાર્મિક શિક્ષણ માટે છાત્રાલયમાં ધાર્મિક વર્ગો શરૂ કરવામાં આવ્યા. જેમાં કીર્તનો, પ્રાર્થના, અષ્ટકો વગેરે જીવનમાં ઉપયોગી બીજી ઘણી બાબતો શિખવવામાં આવે છે.