ભગવાન શ્રી સ્વામિનારાયણ અને નંદસંતોના વિચરણથી પાવન થયેલ ઉમરેઠ નિવાસી મહેન્દ્રભાઈ શેલતને પરબ્રહ્મનિષ્ઠ મુક્તરાજ શ્રી નાથજીભાઈ શુકલ તથા નડિયાદ નિવાસી મોટાભાઈ શ્રી ઈશ્વરભાઈ પંડયા જેવા ભક્તરાજનો યોગ મળવાથી એ બચપણમાં જ સત્સંગના રંગે રંગાયા હતા.
સદ્વિદ્યાના તંત્રી તરીકે એમણે સાંપ્રત અખબારી ઘટનાઓને માધ્યમ બનાવી, અધ્યાત્મનું પાથેય પીરસતા પ્રેરણાદાયી લેખો લખીને અનેકના આદરણીય લેખક બન્યા હતા. પૂ. શાસ્ત્રીજી મહારાજની અનુવૃત્તિમાં રહી એમણે સત્સંગ સાહિત્યની પ્રશંસનીય સેવા બજાવી હતી.
સદ્વિદ્યા માસિકમાં એમણે લખેલી પ્રાર્થનાઓ સામાન્ય નહિ પણ ભક્ત હૃદયમાંથી સ્ફુરેલી અને અંતરના ઊંડાણમાંથી આવેલ હોવાથી પોતાને તેમજ અનેકને સત્સંગ બળપ્રેરક બની રહી. આ પ્રાર્થનાઓ ચીલાચાલુ નહિ પણ પુરુષ પ્રયત્નની પૂર્તિ રૂપે થયેલી એટલે એ ભારે પ્રેરણા સભર છે.
મૂળ મેડી ગામના, હાલ અમેરિકા નિવાસી ગુરુકુલના ભૂ.વિ. અને સેવાનિષ્ઠ પ.ભ. શ્રી ચતુરભાઈ નાગજીભાઈ વઘાસિયાને આ પ્રાર્થનાઓ ખૂબ ગમી છે. એટલું જ નહિ એના પ્રકાશનમાં એમણે સ્વેચ્છાથી આર્થિક સેવા સહયોગ આપ્યો છે.
ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી જનમંગલ મહોત્સવ-૨૦૧૦ પ્રસંગે આ ‘પ્રાર્થના મંજરી’ પુસ્તક રૂપે પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં શેલત સાહેબના સુપુત્ર ચિ. અમરિષ શેલતે સંગ્રહ કરેલ લેખોનું સંકલન કરીને સહતંત્રી શ્રી સુરેશ રા. ભટ્ટ સાહેબે પ્રશંસનીય સેવા બજાવી છે.
આ પુસ્તિકાનું વાચન મનન સહુ કોઈને પ્રાર્થના દ્વારા પ્રભુમાં પ્રેમ જગાડે એવું છે.