ભારત પર જ્યારે અંગ્રેજોનું શાસન ચાલતું હતું ત્યારે તેમણે લગભગ પ્રત્યેક ભારતીય ભાષાનું વ્યાકરણ અને તેના જૂના સાહિત્યની શોધ અને પુનરુદ્ધારનું કામ પણ કર્યું હતું. ડૉ. બ્યૂલર આવા જ એક પ્રાચ્યવિદ્યાવિશારદ વિદ્વાન હતા. તે હંમેશાં જ્યાં જ્યાં સંભાવના હોય ત્યાં પ્રાચ્યગ્રંથોની શોધ કરતા રહેતા. આપણે સ્વીકારવું જોઈએ કે આવા પ્રાચ્યગ્રંથોનું રક્ષણ જૈનોએ સૌથી વધુ કાળજીપૂર્વક કર્યું છે. જ્યાં જ્યાં તેમનાં ભવ્ય મંદિરો હોય ત્યાં ત્યાં પુસ્તકભંડાર પણ હોય જ, પ્રાપ્ય અને શક્ય તેટલા ગ્રંથોની પાંડુલિપિઓ તેઓ ભારે જતનથી સંગ્રહી રાખતા. વર્ષો સુધી આવી પાંડુલિપિઓ પડી રહેતી, જે પટારાઓમાં આ અમૂલ્ય ધરોહર સાચવી રાખી હોય તેની રોજ આરતી, પૂજા થતી, પણ ઉપયોગ ભાગ્યે જ થતો. જૈનોમાં કેટલાય મુનિવરો મહાન વિદ્વાનો થયા છે, પણ શ્રાવકો એ દિશા તરફ બહુ વળ્યા દેખાતા નથી. મુનિઓએ સાહિત્યરચનાઓ કરી અને પુસ્તકોનું જતન કર્યું-કરાવડાવ્યું. આજે ઘણાં પ્રાચ્ય પુસ્તકોનો પુનરુદ્ધાર થઈ શક્યો હોય તો તેમાં આ મુનિવરોનું મોટું પ્રદાન સ્વીકારવું જોઈએ.