Vedras: Religions Books

·
Rajkot Gurukul
5.0
2 reviews
Ebook
271
Pages
Ratings and reviews aren’t verified  Learn More

About this ebook

સદાચાર અધ્યાત્મ જીવનનું પ્રથમ પગથીયું છે. સદાચારના પાલન વિના અધ્યાત્મ ઉન્નતિ સંભવી શકતી નથી. સદાચાર ધર્મ અને શિસ્ત પાલનના હિમાયતી ભગવાન શ્રીસ્વામિનારાયણ મહાપ્રભુએ પોતાના આશ્રિતોમાં સદાચારનું અનેરું ઓજસ ઉપસાવ્યું હતું. વાણી, વર્તન ને વિચારની ત્રિવેણીમાં વિવેકનો સુભગ સમન્વય સાધી સદાચાર પ્રવર્તક પરમાત્મા શ્રીસહજાનંદ સ્વામીએ પોતાના આશ્રિતોમાં ઉત્તમ ચારિત્રશુદ્ધિ પ્રગટાવી હતી.


સનાતન ધર્મને સુસંગત ને નવી હથોરોટીવાળા સદાચાર મૂલક પોતાના ભાગવત ધર્મ સંદેશને અધર્મના અંધારામાં અટવાતી આમ જનતા સુધી લઈ જવા સહજાનંદ સ્વામીએ ધર્મ પાલનની ધગશ ધરાવતું અને તપત્યાગ વૈરાગ્યે યુક્ત એવું સંતવૃંદ તૈયાર કર્યું. આ કાષાયવસ્ત્રધારી પોતાના ત્યાગી શિષ્યોમાં પ્રેમલક્ષણા ભક્તિ સાથે ત્યાગ વૈરાગ્યની જ્યોત સદાય જલતી રહે ને સદાચારની સૌરભ મહેકતી રહે એવા શુભ હેતુથી ભગવાન શ્રીસ્વામિનારાયણે ઔષધ સમ ઉત્તમ ઉપદેશનું વારિસીંચન કર્યું હતું. પરમહંસોને સંબોધીને ત્યાગી સાધુના પંચવર્તમાન નિર્લોભ, નિષ્કામ, નિઃસ્નેહ, નિઃસ્વાદ ને નિર્માન એ સંબંધી ઘણી જ્ઞાનવાર્તાઓ મહાપ્રભુએ કરેલ. એટલું જ નહિ સત્સંગ પ્રચાર અર્થે દૂર ગયેલા સંતોને પત્રરૂપે આ પુનિત પ્રસાદી પોતે લખી મોકલાવતા. પંચ વર્તમાન પાલન અંગેની શ્રીજીની આ જ્ઞાનવાર્તાને સંતો હોંશેહોંશે ને મહિમાથી લખી લેતા. સાધક તેમજ સિદ્ધ સંત પુરુષોને ઉપયોગી એવી આ જ્ઞાનવાર્તાઓનું ‘વેદરસ’ તરીકે શ્રીજીએ સંકલન કરાવ્યું ને લહિયા સંતોએ એની હસ્ત-લિખિત પ્રતો તૈયાર કરી.


આ વેદરસ ગ્રંથમાં ‘હે પરમહંસો’ એવા સ્નેહ સભર સંબોધનથી શ્રીજીએ અતિ વ્હાલપની વાતો કહી છે. શુક, સનકાદિક અને જડભરત જેવા સાધુતાના સ્થંભોને આદર્શ તરીકે દૃષ્ટિ સમક્ષ રાખી, સંતવલ્લભ શ્રીહરિએ સાચા સંતોના સન્માર્ગને સરસ કંડાર્યો છે, સત્શાસ્ત્રોના સુંદર દૃષ્ટાંતો આપી અવિનાશી અલબેલે સંતોની આચાર સંહિતા સમજાવી છે. ત્યાગાશ્રમને અવરોધતાં ભયસ્થાનો ઓળખાવી એનાથી સવેળા પાછા વળવા લાલબત્તી ધરી છે. પંચવિષયમાં રહેલી સ્વાભાવિક રસવૃત્તિને પ્રભુમાં વાળવા મહાપ્રભુએ વિષય ખંડનની વાતો કહી છે. વિષયસુખ પ્રત્યે નફરત જગાડવા એની પાછળ રહેલાં દુઃખદ કષ્ટોની કહાણી કહી છે. મનની તૃષ્ણા તોડવા અને અંતરની વાસનાનાં મૂળ ઉખેડવા માટેના ઉપાયો સૂચવ્યા છે. ખરેખર સાધક માટે આ વેદરસનું પરિશિલન ને અનુપાલન સફળતાના શિખરે ચડાવે એવું છે.


ભગવાન બુદ્ધે પોતાના શિષ્યોને આપેલા પંચશીલની પેઠે ભગવાન શ્રીસ્વામિનારાયણ મહાપ્રભુના પંચવર્તમાનમાં અનેરું ગૌરવ રહેલું છે. સાધુ-ચરિત જીવનની એ સંરક્ષણ હરોળ છે. સાધુતાને સંરક્ષતિ એ લક્ષ્મણ રેખા છે. સીધી સાદી સરળ ભાષામાં શ્રીજીએ વેદ-વેદાંતનું ગૂઢ રહસ્ય સમજાવી દીધું છે. શ્રુતિના સારરૂપ ને ઉપનિષદના અર્કરૂપ આ જ્ઞાનોપદેશ સંગ્રહને ‘વેદરસ’ જેવું સાર્થક અને યથાર્થ નામ અપાયું છે.


પંચ વર્તમાન સંબંધની શ્રીહરિનાં હિતવચનો અને શિક્ષાપત્રી તેમજ ધર્મશાસ્ત્ર સંત્સગિજીવનના ચોથા પ્રકરણના પ્રથમના છ અઘ્યાયોમાં સરસ રીતે સમાવવામાં આવ્યા છે. આ સંગ્રહ ધર્મામૃત તરીકે સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. વળી પંચ વર્તમાનના મહત્ત્વ અંગે પુરુષોત્તમ પ્રકાશના ૮મા પ્રકારમાં શ્રીજી મહારાજનો અભિપ્રાય નોંધતા સદ્‌. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે :-


રે’જો પંચ વ્રત પ્રમાણે રે, ધારી વિચારી સહુ સુજાણ રે,

પંચ વ્રત છે સહુને પાર રે, નથી એથી બીજું કાંઈ બા’ર રે.

જોશો વિધવિધે જો વિચારી રે, ભર્યા અર્થે છે એ અતિ ભારી રે.


આમ આ પંચવર્તમાનરૂપી ગાગરમાં શ્રીહરિએ સંતોની આચાર સંહિતાનો સાગર સમાવી દીધો છે. અંતઃશત્રુને જીતી અરોગી થવા માટે એમાં ઉત્તમ ઔષધ ભરેલું છે. સાધુતાના પંચ પ્રાણસમાન આ વેદરસમાં વર્ણવાએલા પંચ વર્તમાનો ખાસ કરીને ત્યાગીઓ માટે તો અનુપમ આદર્શ છે જ પણ બીજા મુમુક્ષુ આત્માઓને એમાંથી મૂલ્યવાન માર્ગદર્શન મળી રહે છે. ધર્મમર્મજ્ઞ શ્રીહરિએ ઉપસાવેલ આ વિશિષ્ટ છાપ અને કંડારેલી કેડીથી સંપ્રદાયની શુદ્ધિ-વૃદ્ધિ ને અભિવૃદ્ધિ સહેજે સમજાય છે. આ સંપ્રદાય વાતોનો નહિ પણ વર્તનનો છે એવી પ્રતીતિ થયા વગર રહેતી નથી.

Ratings and reviews

5.0
2 reviews

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.