શ્રીજી મહારાજને કીર્તન ભક્તિ પ્રિય હતી એટલે સત્સંગ સભાના પ્રારંભમાં ગવૈયા સંતો પાસે વિવિધ વાજિંત્રોના તાલ સાથે સંકીર્તન કરાવતા ત્યારે ભક્તિરસમાં ભાવુક બની પોતે ચપટી વગાડીને સાથે ગાવા લાગતા. કથા કે કીર્તન કરવા સાંભળવામાં એમને કદી તૃપ્તિ થતી નહિ.
પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને પણ કીર્તનભક્તિમાં ભારે રુચિ રહેતી ૫૦૦ ઉપરાંત કીર્તનો એમને કંઠસ્થ હતાં. પોતે મધુર સ્વરે કીર્તન ગાતાં અને સંતોને પણ કીર્તનોના રાગ કે ઢાળ શીખવતા.
શ્રીહરિના સાંનિધ્યમાં રહી પ્રત્યક્ષ મનોહર મૂર્તિને નીરખીને તેનું હૃદયંગમ નિરુપણ કરી કવિ નંદસંતોએ જે ભાવવિભોર ઉદ્ગારો કીર્તનમાં વહાવ્યા છે એ તો અદ્ભુત ને અનુપમ છે. એમાં પરોક્ષ ભાવે પણ પ્રગટ પ્રભુ સહજાનંદ શ્રીહરિનો અગાધ મહિમા ગવાયો છે. આ પ્રગટ પ્રભુની પ્રેમલક્ષણા કીર્તન ભક્તિથી છલકાતાં આ કીર્તનો આજે પણ સારાયે સત્સંગ સમાજને ભક્તિભાવથી ભીંજવી રહ્યાં છે.
લોક ઢાળમાં રચાએલ આ મહામૂલાં કીર્તનોનો વ્યાપક પ્રચાર થાય અને ભાવિકોને કીર્તન ભક્તિ કરવાની સાનુકૂળતા રહે એ માટે પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ પ્રેસમાં ૭૦ વર્ષ પહેલાં કીર્તનાવલિનું પ્રકાશન શરૂ કરેલ. જે સત્સંગમાંથી સારો પ્રતિસાદ મળતાં આજ સુધીમાં કીર્તનાવલીની બે લાખ પ્રતો છપાઈ ચૂકી છે.
ભાવિકોની વિશેષ સાનુકૂળતા માટે વિશેષ ગવાતાં કેટલાંક કીર્તનો કીર્તનાવલીમાંથી તારવીને પૂજ્ય ગુરુવર્ય મહંત સ્વામીની પ્રેરણાથી આ ‘હરિ સંકીર્તન’ નામે નાની પુસ્તિકા તૈયાર કરી છે. એમાં કીર્તનો સાથે શ્રી નારાયણ કવચ, શ્રીહરિ કવચ, જનમંગલ સ્તોત્ર તથા જનમંગલ નામાવલિ અને ચાર વચનામૃતોનો સમાવેશ કર્યો છે.
આ પુસ્તિકા તૈયાર કરવામાં સાધુ રસિકવલ્લભદાસજી સ્વામી, પાર્ષદ વશરામભગત અને ગોરધનભાઈ સખિયાએ સેવા બજાવી છે.