હાલ સંપ્રદાયમાં વધુ પ્રમાણમાં પ્રકાશિત થયેલી અને જોવા મળતી મોટાભાગની "સ્વામીની વાતુ" સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય સદ્ગુરુ બાલમુકુંદદાસ સ્વામીએ સંગ્રહિત કરી હોવાનુ મનાય છે.
પરંતુ અત્રે શ્રી પ્રવીણભાઇ લાલજીભાઇ હિરાણી (કચ્છભૂજ,હાલ-લંડન) તરફથી ઇ.સ.૨૦૧૨ માં અસલપ્રત સાથે પ્રકાશિત થયેલી 'સ્વામીની વાતુ'ની પ્રતનો આધાર લીધો છે. તે બદલ તેમના ઋણી છીએ. તેમના જણાવ્યા મુજબ છેલ્લા ૧૨૫ વર્ષથી શ્રી સ્વામિનારાયણ મંદિર ભૂજના સભામંડપમાં દરવર્ષે આ અસલ પ્રત ઉપરથી ચાતુર્માસમાં કથાવાંચન થાય છે.
આ વાતોનુ સંપાદન પ્રતમાં જ નિર્દેશ કર્યા મુજબ આ સંવત્ ૧૯૨૩ ના ભાદરવા માસ સુધીનું સંકલન સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીના દાસાનુદાસ સેવક શ્રી સદાશંકરભાઇએ કરેલ છે. અને પછીનું સંવત્ ૧૯૫૮ ના ફાગણ સુદી ૧૩ સુધીનું સંકલન શ્રી રાવળ જેઠા મોરારજી એ કરેલ છે.
મૂળપ્રત બાળબોધ ગુજરાતી લીપીમાં લખાયેલી છે. તેમાં ફકરા પાડેલા નથી. પરંતુ અત્રે ઉચિત લાગ્યુ ત્યાં ફકરા (પેરાગ્રાફ) પાડયા છે. વાતના મૂળ હાર્દને હાની ન પહોંચે તે રીતે ક્યાંક ક્યાંક ભાષાકીય તથા અન્ય જૂજ સુધારો કર્યો છે. જેમકે બોલચાલની ભાષા મુજબ'નીકર, છઇએ વગેરે' શબ્દોના બદલે તે અર્થના બોધક વર્તમાનમાં પ્રચલિત શબ્દોનો પ્રયોગ કર્યો છે.
જીવના કારણ શરીરનો નાશ કરી નાખે તેવી આ બળભરેલી વાતુ છે. શુદ્ધ ઉપાસના અને સમજણ ઉપર સ્વામીએ કોઇની શેહશરમ રાખ્યા વિના વાતો કરી છે. તે વાંચનારના હૈયામાં સોંસરવી ઉતરી જાય તેવી છે.
લેખન પ્રકાશનમાં મદદરૂપ થનારા નામી અનામી સૌનું શ્રીહરિ મંગળ કરે એજ શુભ કામના સહ...
લી. શાસ્ત્રી દેવવલ્લભદાસના જય સ્વામિનારાયણ