આજે સમાજ કેળવણી અને સંસ્કારથી વિશેષ સભાન બન્યો છે પણ આજથી સવા બસો વર્ષ પહેલાં ભગવાન શ્રીસ્વામિનારાયણે પોતાના સંતોનું વિવિધ પ્રકારની કસોટીઓ યોજી, કથાવાર્તા અને વચનામૃતનું રસપાન કરાવીને એવું સર્વોત્તમ ઘડતર કર્યું કે આશ્રિતોમાં ધર્મપાલનની દૃઢતા સાથે ત્યાગ વૈરાગ્યની છટા અને મહાત્મ્યજ્ઞાને સહિત પ્રેમલક્ષણા ભક્તિની જ્યોત ઝળહળી ઊઠી હતી.
સદ્. મુક્તાનંદ સ્વામી, સદ્. ગોપાળાનંદ સ્વામી, સદ્. નિષ્કુળાનંદ સ્વામી, સદ્. ગુણાતિતાનંદ સ્વામી આદિ નંદસંતોએ પોતાના યોગમાં આવનાર ત્યાગીગૃહી શિષ્યોનું પ્રેરણાદાયી જીવન ઘડતર કર્યું. એ પછી દાસ પદવીના સંતો સદ્. સ્વામી બાલમુકુંદદાસજી, સદ્. સ્વામી નારાયણદાસજી, સદ્. પુરાણી સ્વામી ગોપીનાથદાસજી આદિ સંતોએ પણ પોતાના મંડળના સાધુ અને યોગમાં આવેલ હરિભક્તોનાં જીવન સત્સંગના રંગે રંગી નાખ્યા હતા.
એજ પરંપરામાં સદ્. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી તો જીવનઘડતરના કુશળ ઘડવૈયા હતા. એમણે રાજકોટ ગુરુકુલની સ્થાપના કરીને શિષ્ય સંતો, વિદ્યાર્થીઓ અને હરિભક્તોના જીવનને સંસ્કારવા માટે સત્સંગ પાઠશાળા શરૂ કરી. પોતાના આસને રોજ થતી સાંજની સત્સંગ સભામાં વચનામૃત વંચાવીને કથાવાર્તા અને જીવનઘડતરની પ્રેરણાદાયી જૂની વાતો કરીને ઉચ્ચ જીવન જીવવા માટે પ્રેરણા આપતા રહ્યા. સંતો, વિદ્યાર્થીઓ અને હરિભક્તો એમનાં વચનોને વર્તનમાં વણતા રહ્યા.
આવા ઘાટના ઘડવૈયા ગુરુદેવના પગલે ચાલીને એમના ઉત્તરાધિકારી સ્વામી દેવકૃષ્ણદાસજી પણ જીવન ઘડતરના આગ્રહી અને હિમાયતી છે. તેઓ પણ પોતાની સૂત્રાત્મક શૈલીમાં ધર્મપાલનની ટકોર કરતા રહે છે. વળી રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલની દેશવિદેશમાં પથરાએલ ૩૨ શાખાઓમાં રહીને સત્સંગ સમાજની સેવા બજાવતા સર્વે સંતોને સદુપદેશ ભર્યા પત્રો લખતા રહીને શિક્ષાપત્રી, ધર્મામૃત અને નિષ્કામ શુદ્ધિના આદેશોનું પાલન કરવાની ભલામણ કરતા રહે છે. પરિણામે ગુરુકુલના વિશાળ સંતવૃંદમાં સંપ, સહકાર ને સુહૃદભાવ જળવાઈ રહેલ છે. નાના સંતો વડીલ સંતોની મર્યાદા જાળવે છે. એમની આજ્ઞાઓને મહિમાથી અનુસરીને સહર્ષ સેવા બજાવતા રહે છે. ગુરુ ભાઈઓ પણ પૂ. મહંત સ્વામીની આજ્ઞાઓનું અનુસરણ કરીને સેવા બજાવે છે.
પૂ. મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીએ સંતોને ઉદ્દેશીને લખેલા પત્રોમાંથી સંકલન કરીને સાહિત્ય પ્રકાશ વિભાગ રાજકોટ ગુરુકુલ દ્વારા આ ‘ત્યાગ શોભા સંતની’ પુસ્તકનું પ્રકાશન થયું છે. જેમાં સંતજીવનને સ્પર્શતા વિવિધ ચોવીસ વિભાગો છે. છેલ્લા બે વિભાગમાં પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની અમૃતવાણી પણ સમાવવામાં આવી છે. પૂ, સ્વામીએ સંતોને લખેલા પત્રોમાંથી સારાંશ ઉપદેશ ભાગનું સંપાદન અને સંકલનકાર્ય સદ્વિદ્યા સહતંત્રી સ્વામી શ્રી રસિકવલ્લભદાસજી અને સંપાદક શ્રી વશરામભગતે મહિમાથી કરેલ છે. કલાસંયોજનનું કાર્ય ઉત્સાહી સંત વિશ્વસ્વરૂપદાસજી સ્વામીએ સુરત ગુરુકુલ વિશ્વમંગલ આર્ટ દ્વારા ખંતથી કરેલ છે.
આ પુસ્તક મુમુક્ષુઓને ઉચ્ચ જીવનનો આદર્શ પૂરો પાડે એવું ઉપયોગી છે. મોક્ષભાગી ભાવિકો આનું વાચન શ્રવણ કરીને ધન્યતા અનુભવશે.