ઘડાયેલું રાષ્ટ્ર જ મહાન બનતું હોય છે. રાષ્ટ્રની પ્રજાનું જે સ્વરૂપ હોય, તે જ રાષ્ટ્રનું સ્વરૂપ બને. ઘડાયેલી પ્રજાથી જ રાષ્ટ્ર ઘડાતું હોય છે. પ્રજાની મહાનતા કે અધમતામાં બે કારણો બહુ મહત્ત્વનાં હોય છે: 1. તેની આનુવંશિકતા અને 2. તેનું ઘડતર. આનુવંશિકતા કુદરતી હોય છે. સાગ-સીસમ કુદરતી છે. તેના ઉપર નકશી કરવી એ તેનું ઘડતર કહેવાય. કુશળ સુથાર તે કામ કરતો હોય છે. પણ સાગ-સીસમની જગ્યાએ એરંડો કે આકડો હોય તો કુશળ સુથાર પણ ઘડતર ન કરી શકે. ભારતમાં અસંખ્ય પ્રકારની આનુવંશિકતાવાળી પ્રજાઓ છે, એટલે બધાંનું આનુવંશિક મૂલ્ય એકસરખું નથી. આ બાબતમાં કોઈના માટે કશું કહેવાય નહીં. આનુવંશિકતામાંથી વ્યક્તિત્વ પ્રગટતું હોય છે, જે જન્મજાત હોય છે. પણ ઘડતરની બાબતમાં ઘણું થઈ શકે તેમ છે. પ્રજાના પાંચ ઘડવૈયાઓ હોય છે: 1. રાજા અથવા રાજનેતાઓ, 2. ધર્માચાર્યો, 3. સાહિત્યકારો, કવિઓ, કલાકારો, 4. સમાજનેતાઓ અને 5. શિક્ષકો. આ પાંચે મળીને પ્રજાનું ઘડતર કરતા હોય છે. પણ જો તે પોતે ઘડાયેલા હોય તો જ તે પ્રજાનું ઉત્તમ ઘડતર કરી શકે. જો તે પોતે જ અણઘડ હોય તો પ્રજાને અણઘડ બનાવી મૂકે. દુર્ભાગ્યવશ અત્યારે લગભગ બધી દિશાઓમાં અણઘડતર પ્રસરી ગયું છે, એટલે પ્રજા પણ અણઘડતાનો મોટો શિકાર બની ગઈ છે. અણઘડતા ત્રણ પ્રકારની હોય છે: 1. અનુશાસનહીનતા 2. મોરલ-હીનતા અને 3. વ્યવહારહીનતા.