વિશ્વની અડધી જનસંખ્યા મહિલાઓની છે, પણ વિશ્વનાં મહત્ત્વનાં ક્ષેત્રો જેમકે: ધાર્મિક, રાજકીય, સામાજિક, આર્થિક અને વૈજ્ઞાનિક વગેરે બધાં ક્ષેત્રોમાં તેમણે અડધોઅડધ ભૂમિકા ભજવી હોય તેવું દેખાતું નથી. આજ સુધી કોઈ મહિલા પોપ કે શંકરાચાર્ય જેવી ગાદી ઉપર બેઠી નથી. આજ સુધી કોઈ મહિલા વિશ્વવિજેતા સિકંદર, નેપોલિયન જેવી થઈ નથી. આજ સુધી કોઈ સમુદ્રી સાહસ કરનારી મહિલા વાસ્કો–ડી–ગામા, કોલંબસ જેવી થઈ નથી. આવું જ બીજાં બધાં ક્ષેત્રોનું પણ કહી શકાય. આમ છતાં પણ મહિલાઓમાં ઘણી મહિલાઓ મહાન અને પ્રેરકજીવન જીવનારી થઈ જ છે, જે અસંખ્ય મહાન મહિલાઓ થઈ છે, તેમાંથી કેટલીક મહિલાઓનું પ્રેરણાદાયી જીવન અહીં આલેખવાનો પ્રયત્ન થયો છે. પુરુષ કરતાં સ્ત્રીને પરિસ્થિતિ વધુ બાધક બનતી હોય છે તેથી એવો તો કદી દાવો કરી જ ન શકાય કે સ્ત્રી–પુરુષ બંને જીવનનાં બધાં ક્ષેત્રોમાં એકસરખાં છે. સૌસૌનાં ક્ષેત્રો અલગ–અલગ છે. તેમ છતાં ઘણી મહિલાઓએ પોતાનું અદ્ભુત જીવન જીવી બતાવ્યું છે–જેથી ઘણાંને, ખાસ કરીને મહિલાઓને ઘણી પ્રેરણા મળી શકે તેમ છે. આવી મહિલાઓને લોકો ભૂલી ચૂક્યા હોય છે. તેમને લોકો યાદ કરતા થાય અને પ્રેરણા ગ્રહણ કરે તે હેતુથી આ પુસ્તક લખાયું છે.