આ પુસ્તક ‘મહાભારત’નો ભાષાનુવાદ નથી તેમ જ ભાવાનુવાદ પણ નથી. આ તો ‘મહાભારત’ની મૂળ કથાના આધારે રજૂ થયેલું ચિંતન છે. ‘મહાભારત’ મહાગ્રંથ છે, કલેવરની દૃષ્ટિએ, વિષયવસ્તુની દૃષ્ટિએ અને જ્ઞાન-વિજ્ઞાનની પણ દૃષ્ટિએ. ‘મહાભારત’ને જે દૃષ્ટિએ જુઓ, પ્રત્યેક દૃષ્ટિએ તેમાં મહાનતા જ મહાનતા દેખાશે. વિચારોથી દૃષ્ટિકોણ બનતો હોય છે. જે વિચારો પ્રજાને, રાષ્ટ્રને અને રાજકર્તાઓને મહાન બનાવે તે દૃષ્ટિકોણને ઉત્તમ સમજવો જોઈએ. જે દૃષ્ટિકોણ કલ્પનાપૂર્ણ, અવાસ્તવિક હશે તે ગમે તેટલો રૂપાળો હશે તોપણ તેનાથી પ્રજા કે રાષ્ટ્ર કદી મહાન થઈ શકશે નહિ. ઋષિયુગ પછી ભારતને આવા કાલ્પનિક રૂપાળા દૃષ્ટિકોણનો રોગ લાગુ પડ્યો છે, જેણે પ્રજા અને રાષ્ટ્રને પારાવાર નુકસાન કર્યું છે, કરી રહ્યા છે. ‘મહાભારત’ સ્પષ્ટ છે. તે ગોળગોળ નથી ફેરવતું. જીવન પ્રશ્નોથી ભરેલું છે. તેને છોડીને ભાગવાનું નથી. પ્રશ્નો ઉકેલવાના છે. પ્રશ્નો આપણે પોતે ઊભા કરીએ છીએ, પરિસ્થિતિ ઊભા કરે છે, લોકો ઊભા કરે છે—પણ પ્રશ્નો ઊભા થાય છે ખરા. હવે તેનાથી ભાગીને શાંતિ મેળવવી છે કે પછી તેને ઉકેલીને શાંતિ મેળવવી છે? પહેલો માર્ગ કાયરતાનો અને નિષ્ફળ છે. પ્રશ્નોથી ભાગીને શાંતિ મેળવી શકાય જ નહિ, ઉકેલીને જ શાંતિ મેળવી શકાય. પ્રશ્નોનો ઉકેલ પરાક્રમથી થતો હોય છે. ‘મહાભારત’ પરાક્રમનો ગ્રંથ છે. તેમાં વણી લેવાયેલાં પાત્રો પરાક્રમી—મહાપરાક્રમી છે. પરાક્રમ ધર્મપૂર્વકનું અને અધર્મપૂર્વકનું પણ હોય છે.