સંસ્કારયુક્ત શિક્ષણ સાથે ધાર્મિક, સામાજિક, આધ્યાત્મિક વગેરે અનેકક્ષેત્રે અનેકવિધ સેવાકાર્યોની સાથે સાહિત્યપ્રકાશનની સેવાનો શુભારંભ કરી સત્સંગ-પોષણનું પણ મહત્ત્વનું કાર્ય કર્યું. જે આજે પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી સંતોના સથવારે અને ભાવિકભક્તોના સમર્પણથી સુપેરે ચલાવી રહ્યા છે.
રાજકોટ ગુરુકુલની દેશ-વિદેશમાં રહેલી શાખાઓના અધ્યક્ષ તરીકે જવાબદારી વહન કરી રહ્યા હોવા છતાં તેઓ અવકાશના સમયમાં સતત મંત્રલેખન અને જીવનઘડતરલક્ષી વિચારોનું આલેખન સૂત્રો અને લેખોના સ્વરૂપમાં અવિરત કરતા રહે છે. તેઓના લેખો સંસ્થાના ‘સદ્વિદ્યા’ માસિક અને અન્ય સામયિકોમાં પણ પ્રકાશિત થાય છે. જેને સત્સંગ સમાજની ચાહના અને વ્યાપક માંગને ખ્યાલમાં રાખી તે લેખોનું સંકલન કરી ક્રમશઃ ‘સંત સમાગમ’, ‘સત્સંગસુધા’, ‘સંતકી સોબત’, ‘જીવન પાથેય’, ‘જીવનસુમન’, ‘સાચો વારસો’, ‘જીવન જીવવાની કળા’ પુસ્તક રૂપે સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેમાં આ ‘સત્સંગ ચિંતામણિ’ પુસ્તકોનો ઉમેરો થાય છે.
પૂ. ગુરુવર્ય મહંત સ્વામીના લેખો જનસમાજમાં જીવનનું વાસ્તવિકસ ચિત્રણ, જીવનની ચડતી-પડતી, સુખ-દુઃખમાં તટસ્થતા કે સમતા કેળવવાની રીતિનો સૂત્રાત્મક શૈલીમાં, સુગમ ભાષામાં બોધ કરાવે છે. તેને વાંચતા આપણને સંત સમાગમ કે સત્સંગ સભામાં પ્રત્યક્ષ કથાશ્રવણના આસ્વાદની અનુભૂતિ થાય છે. દરેક લેખ દ્વારા કર્તવ્ય પાલન અને ધર્મ પરાયણતાના આગ્રહનો શુભ સંદેશ સાંપડે છે. પૂ. સ્વામીની ભાષાશૈલી સુગમ, સરળ, લોકભોગ્ય, દૃષ્ટાંતયુક્ત હોઈ હૃદયભેદક બની જીવનમાં જડાઈ જાય તેવી છે. તેથી જ સાચા અર્થમાં તેમના લેખો મોક્ષમૂલક ભાતું પૂરું પાડે છે.