આગ્રંથમાં વદ પક્ષની એકાદશી પ્રથમ લેવાયેલ છે અને શુકલ પક્ષની પછી લેવાયેલ છે. તેનું કારણ એ છે કે મહિનાઓની ગણતરી ચંદ્રમાસ તરીકે (પૂનમિયા મહિના મુજબ) કરેલી છે તેથી દરેક માસ પૂનમને દિવસે પૂરો થાય છે અને વદ પક્ષના પડવાથી નવો માસ શરૂ ગણાય છે. એ રીતે વદ પક્ષની એકાદશી પહેલી ગણાય અને સુદપક્ષની એકાદશી બીજી ગણાય છે. આમ બાર માસની ર૪ એકાદશી અને અધિક માસની બે એકાદશી મળીને કુલ ર૬ એકાદશીનાં આખ્યાનો આમાં આપેલાં છે. મૂળ ગ્રંથમાં સંસ્કૃત શ્લોકો પણ આપેલા છે પણ એથી પુસ્તકનું કદ વધે એટલે જેઓ સંસ્કૃત ન જાણતાં હોય તેને વાંચવું સુગમ પડે અને પુસ્તકનું કદ ઓછું થાય એ હેતુથી માત્ર ગુજરાતી ભાષાંતર જ આમાં લીધું છે; અને ભાષાંતરની મૂળ ભાષા રાખી છે. એથી ભાવિક મુમુક્ષુઓને તેનાથી જોઈતી માહિતી મળી રહેશે.
સત્સંગની પ્રણાલિકા અને સમજણ પ્રમાણે તો મુખ્યત્વે એકાદશીનું વ્રત કરવાની અગત્ય છે જ; પરંતુ તેના ફળ તરીકે ભગવાન સાથેનો મોક્ષમૂલક સંબંધ પ્રતિદિન વધતો રહે એ જ હેતુ છે, કેમ કે દશ ઈન્દ્રિયો અને અગિયારમું મન એ અગિયાર તત્ત્યવોના નિગ્રહ પૂર્વક ભગવાનની મૂર્તિમાં જોડાવું એ જ એકાદશીના વ્રતનો સંકેત છે. એટલે અન્ય પ્રકારે મહિમાના વર્ણનોમાં સકામ ભાવનાના નિર્દેશો થયા છે તે સર્વ સામાન્ય આસ્તિક જનોને વ્રતમાં શ્રદ્ધા અને ચિ પેદા થતાં તેની પ્રવૃત્તિ પરિણામે ધર્મમાર્ગે વળે એવો શુભ હેતુ જ શાસ્ત્રકારોનો હોય છે. પરંતુ શ્રી મહારાજે તો મુખ્યત્વે ઈન્દ્રિયો અંતઃકરણના નિગ્રહ પૂર્વક ભગવાનમાં વૃત્તિ રાખવા માટે મોક્ષના સાધન રૂપ એકાદશીનું વ્રત ખાસ કરીને બતાવ્યું છે એટલે એ જ હેતુને સત્સંગી બાઈ ભાઈઓએ લક્ષમાં રાખવો જોઈએ.
એકાદશી વ્રત ઉપરાંત ૠષિ પંચમી, રામ નવમી, જન્માષ્ટમી, વામન જયંતી તથા શ્રીહરિજયંતી વ્રતનો મહિમા અને વિધિ પણ આ ગ્રંથમાં સમાવવામાં આવેલ છે.