શ્રીજી મહારાજ પોતાના ૨૫ વર્ષના ગઢપુરવાસ દરમ્યાન અનેકવાર જૂનાગઢી-સોરઠી સત્સંગને યાદ કરતાં રહેતા. વાંરવાર જૂનાગઢમાં પધારી ભક્તોને સ્વસ્વરૂપની ઓળખાણ કરાવતાં. ભક્તોને પણ ભગવત સ્વરૂપના યથાર્થજ્ઞાન માટે દર વર્ષે એક મહિનો જૂનાગઢ જવાની આજ્ઞા કરતાં. જે જૂનાગઢ જાય તેની કરોડ જનમની કસર ટળી જતી.
સર્વોપરી ઉપાસનાનું ધામ જૂનાગઢ કે જ્યાં જવા માટે સહુના પગ ખેંચાતા. સતત ૪૦ વર્ષ સુધી બ્રહ્મજ્ઞાનના વારિ સીંચી સોરઠની ધરાને નવપલ્લવિત કરનારા સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજનું સ્વરૂપ સંતો ભક્તોના હ્ય્દયમાં એવું ધરબી દીધું કે દેશકાળ પણ તેને ડગાવી ન શક્યા.
ત્યાર પછી પણ એ ગુણાતીત ઝોકમાં તૈયાર થયેલા સમર્થ સંતોએ સોરઠી સત્સંગનું રક્ષણ, પોષણ અને પ્રચાર કર્યો. ઝીણાભાઇ, દાદાભાઇ, ગોકળદાસ જેવા સમર્પિત ભક્તોના સર્વસ્વ સમર્પણની ગાથા આજે પણ મંદિરની મીઠી લહેર કાનમાં કહી જાય છે.
જૂનાગઢ નવાબી રાજ્ય અને સ્વામિનારાયણ સંપ્રદાયને ઘણો ગાઢ સંબંધ રહ્યો છે. નવાબ સાહેબો અને દીવાનોએ સ્વામિનારાયણ સંપ્રદાયના વિકાસ માટે ઘણું યોગદાન આપ્યું છે.
એવા જૂનાગઢમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે કરેલી વિવિધ લીલાઓનું સ્મરણ થાય, જૂનાગઢ જેની જનમભોમકા ગણાય એવા જોગીડાઓનું સામર્થ્ય સાંભરે અને સોરઠના એ સોનલવરણા ભક્તોની સ્મૃતિ થાય તે હેતુથી એ પ્રસંગોને શબ્દદેહ આપવાનો આ પુસ્તકમાં નાનકડો પ્રયાસ કર્યો છે.