પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામીનું જીવન જ સહુ કોઇને આચરણીય જીવનનો શુભસંદેશ આપે છે. દેશ-વિદેશમાં શિક્ષણ, સંસ્કાર અને અનેકવિધ સેવાઓની સરવાણી વહાવી રહેલ ગુરુકુલની શાખાઓના અધ્યક્ષ તરીકેની સુપેરે જવાબદારી વહન કરી રહ્યા હોવા છતાં તેઓ અવકાશના સમયમાં સતત મંત્રલેખન અને જીવનઘડતરલક્ષી વિચારોનું આલેખન કરતા રહેતા હોય છે. સાદી, સરળ, પ્રાસાનુપ્રાસ સૂત્રાત્મક શૈલીમાં તેમના વિચારો જીવ સાથે જડાઈ જાય છે. તેઓશ્રીનું જીવન એક આદર્શ સૂત્ર જેવું છે. નાનાં દૃષ્ટાંતો અને સૂત્રો દ્વારા તેઓ થોડામાં ઘણું ‘ગાગરમાં સાગર’ની જેમ કહી જાય છે.
આજના ધમાલિયા જીવનની વ્યસ્તતામાં ચિત્તમાં ચોટી જાય અને જીવનની દશા અને દિશા પરિવર્તિત કરી નાખે તેવાં સૂત્રોનું સંકલન સંસ્થા દ્વારા ‘સૂત્રાવલી’, ‘આચરણનાં આભૂષણ’ પુસ્તકરૂપે પ્રકાશિત થયેલ છે. ‘સદ્વિદ્યા’ માસિકમાં તેઓનાં સૂત્રો ‘અમૃતનું આચમન’ કોલમથી પ્રગટ થાય છે. જેનું ‘અમૃતનું આચમન’ પુસ્તક રૂપે પણ પ્રકાશન કરવામાં આવ્યું છે. આની પૂર્વે પૂ. સ્વામીના સત્સંગ કથાવાર્તામાંથી અ. નિ. પ.ભ. શ્રી સુરેશભાઇ ભટ્ટ સાહેબે સંકલિત કરેલા કેટલાક સૂત્રોને ‘સત્સંગ સાગરનાં મોતી’ એ શીર્ષક સાથે પ્રકાશિત કરેલ. તેની સત્સંગ સમાજમાં ખૂબ જ માંગ અનુભવાયેલી. આથી હાલમાં તેના નૂતન સંસ્કરણ સાથે આ આવૃતિ પ્રકાશિત કરેલ છે.
આ પુસ્તકમાં પૂ. સ્વામીના અમૃતનું આચમન પુસ્તક સિવાયના સત્સંગ તેમજ સમજણને લગતાં સૂત્રોનું આ સત્સંગ સાગરના મોતીમાં સંકલન કરવામાં આવ્યું છે. આ પુસ્તક સત્સંગ સાહિત્યપ્રેમી મુમુક્ષુઓને ખૂબ જ ઉપયોગી બની રહેશે.