શિક્ષાપત્રીના આદેશોનું સમાજમાં પાલન થાય તો ખરેખર આજના આ સમાજજીવનનું ચિત્ર બદલાઈ જાય એટલું જ નહિ અનેક વિટંબણાઓ હલ થઈ જાય. આ પુસ્તકમાં શિક્ષાપત્રી ઉપરાંત મુમુક્ષુને નિત્યપાઠમાં ઉપયોગી એવા પંચરત્ન સમા જનમંગલ, સર્વમંગલ, હરિકવચ, નારાયણકવચ, સંકટહર સ્તોત્ર તેમજ હનુમત્સ્તોત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ સાયં પ્રાર્થનામાં ઉપયોગી ગોડીથી પોઢણિયા સુધીનાં નિત્ય નિયમો, અષ્ટકો, કીર્તનો, ધ્યાન ચેષ્ટાંનાં પદો, સૂતક નિર્ણય વગેરેને પણ સમાવી લીધાં છે.
સંપ્રદાયમાં ‘નિત્યવિધિ’થી પ્રસિદ્ધ આ લઘુગ્રંથમાં દરેક સત્સંગીને દૈનિક પ્રાર્થના-સ્તુતિ-પાઠવિધિમાં ઉપયોગી સામગ્રી સમાવિષ્ટ થવાથી સહજરીતે વધુ ઉપયોગી સિદ્ધ થશે. સંસ્કૃત શ્લોકોને દેવનાગરીલિપિ (બાળબોધલિપિ) ને સ્થાને ગુજરાતીમાં છાપવા પાછળ તેનો પાઠ કરવામાં સરળતા રહે તેવો આશય રહ્યો છે.