અર્ચનભક્તિનું અપરસ્વરૂપ એટલે કે,”ભગવાન શ્રીહરિના અંગભૂત અવતારો,ઇશ્વરો,અનંતમુક્તો,પાર્ષદોએ સહિત પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની ભક્તિભાવપૂર્વક કરવામાં આવતી મહાપૂજા.”
શિક્ષાપત્રીમાં ભગવાન શ્રીહરિએ પોતાના આશ્રિતોને ચાતુર્માસને વિષે મહાપૂજા કરવાની વિશેષ આજ્ઞા કરી છે. શ્રીહરિની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે તેમજ ભક્તોના શ્રેય અને પ્રેયરૂપ ઇચ્છિત મનોકામનાઓ પૂર્ણ કરવા માટે, સદ્ગુરુ શ્રી અખંડાનંદ બ્રહ્મચારીએ આ મહાપૂજા વિધિની રચના કરી છે. જે “આદિનારાયણ મહાપૂજા” કહેવાય છે. જેને સંવત્ ૧૯૦૧,જેઠ સુદિ એકાદશીને દિવસ સૌપ્રથમવાર જૂનાગઢ મંદિરમાં સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ આ મહાપૂજા કરાવી પ્રવર્તન કર્યું.
ગરવી ગુણાતીત પરંપરામાં અદ્યાપિ પર્યન્ત શ્રીજી મહારાજને રાજી કરવા તેમજ માંગલિક પ્રસંગોને નિર્વિઘ્ન પાર પાડવા તથા જીવનમાં આવતાં યત્કિંચિત દુઃખના નિવારણાર્થે ભાવિક ભક્તો સંતો પાસે મહાપૂજા કરાવતા હોય છે.