પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ સાંપ્રદાયિક સિદ્ધાંતોના જતન અને પ્રવર્તન માટે રાજકોટ ગુરુકુલની સ્થાપના કરી. સંસ્કારયુક્ત શિક્ષણ સાથે, ધાર્મિક, સામાજિક વગેરે ક્ષેત્રે અનેકવિધ સેવાકાર્યોની સાથે સાહિત્ય પ્રકાશનની સેવાનો શુભારંભ કરી સત્સંગના પોષણનું મહત્ત્વનું કાર્ય કર્યું. આજે ગુરુકુલ દ્વારા આ સાહિત્યની સરવાણી અવિરત ચાલુ છે.
રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના પૂજ્ય ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના નંદ સંતોની વાતોની શૈલીના લેખો સંસ્થાના ‘સદ્વિદ્યા’ માસિક ઉપરાંત અન્ય સામયિકોમાં પણ પ્રકાશિત થાય છે. જેને સત્સંગ સમાજની ચાહના અને વ્યાપક માંગને ખ્યાલમાં રાખી ક્રમશઃ ‘સંતસમાગમ’, ‘સત્સંગસુધા’, ‘સંત કી સોબત’, ‘જીવન પાથેય’, ‘જીવન સુમન’, ‘સાચો વારસો’, પુસ્તકરૂપે સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે તેમાં આ ‘જીવન જીવવાની કળા’ પુસ્તકનો ઉમેરો થાય છે.
તેઓશ્રીના લેખો જનસમાજના જીવનનું વાસ્તવિક ચિત્રણ, જીવનની ચડતી-પડતી, સુખ-દુઃખમાં તટસ્થતા કે સમતા કેળવવાની રીતિનો સૂત્રાત્મક શૈલીમાં સુગમ ભાષામાં બોધ કરાવે છે. તેને વાંચતા આપણને સંત સમાગમ કે સત્સંગ સભામાં પ્રત્યક્ષ કથાશ્રવણના આસ્વાદની અનુભૂતિ થાય છે. દરેક લેખ દ્વારા જીવનમાં કર્તવ્યપાલન અને ધર્મ પરાયણતાના આગ્રહનો શુભ સંદેશ સાંપડે છે. પૂ. સ્વામીની ભાષાશૈલી સુગમ, સરળ, લોકભોગ્ય, દૃષ્ટાંતયુક્ત હોઈ હૃદયભેદક બની જીવનમાં જડાઈ જાય તેવી છે. તેથી જ સાચા અર્થમાં તેમના તે લેખો મોક્ષમૂલક ભાથું પૂરું પાડે છે.
આ પુસ્તકનું કોમ્પ્યુટર ટાઈપ સેટીંગ સાધુ શ્રી રસિકવલ્લભદાસજી સ્વામી અને કોમ્પ્યુટર ડિઝાઈનીંગ સાધુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ કર્યું છે. લેખોનું સંકલન પ.ભ. શ્રી સુરેશ રા. ભટ્ટ સાહેબે કરેલું છે. પુસ્તકના પ્રકાશનમાં અન્ય કોઇપણ રીતે સેવા સહયોગી બનેલા તમામ સંતો, હરિભક્તો અને વિદ્યાર્થીઓ ઉપર ભગવાન શ્રીહરિની પ્રસન્નતા ઉતરે એ જ પ્રાર્થના.
આ પુસ્તકની ટૂંકાગાળામાં આ પાંચમી આવૃત્તિ પ્રકાશિત કરતાં આનંદ અનુભવીએ છીએ. આ આવૃત્તિના પ્રકાશનમાં કાળજી લેવાઈ હોવા છતાં કોઈ ક્ષતિ રહી જવા પામી હોય તો મુમુક્ષુ પાઠકગણ ઉદાર દિલે ક્ષમ્ય ગણશે અને આ પુસ્તક દ્વારા જીવન જીવવાની કળા હાંસલ કરશે એ જ અપેક્ષા સહ...