આજે પ.પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના શિક્ષણ સાથે સંસ્કાર ઉપરાંત અનેકવિધ સેવાકાર્યો દેશ-વિદેશમાં અનેક શાખા-સંસ્થાઓ અને સંતોના સહયોગથી પ.પૂ. ગુરુવર્ય મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી સુપેરે ચલાવી રહ્યા છે. તેઓ કથની કરતાં કરનીમાં વધુ માને છે. એટલે જ તેઓના સાધુગુણસંપન્ન જીવનની અસર શિષ્ય સંત અને મુમુક્ષુ ભક્ત સમુદાય પર પ્રભાવીપણે જોવા મળે છે.
આદર્શ આચરણ તેમનો ઉપદેશ છે. મૌન તેમની ભાષા છે અને કલમ તેમની કથની છે. અનેક સંસ્થાઓની જવાબદારીઓ વચ્ચે પણ અવકાશના સમયમાં તેઓ દ્વારા નિરંતર મંત્રલેખન અને જીવનઘડતરલક્ષી વિચારોનું આલેખન ચાલુ જ હોય છે.
પૂ. મહંત સ્વામીના જીવનઘડતરલક્ષી વિચારોનું સંકલન કરી સાતેક પુસ્તકો પ્રકાશિત થયા છે. એટલું જ નહિ ‘ગાગરમાં સાગર’ની જેમ થોડામાં ઘણું કહી જાય તેવાં સૂત્રોનું સંકલન પણ ચાર પુસ્તકોમાં પ્રકાશિત થયું છે. એક વિદ્વાનના કથન મુજબ ઉપદેશ કે શિખામણ પ્રથમ દૃષ્ટિએ કોઈને પસંદ આવતાં નથી તેથી દૃષ્ટાંત કથા દ્વારા સારરૂપ સિદ્ધાંત-ઉપદેશને પાઈ શકાય. પૂ. સ્વામીજીનો ‘દૃષ્ટાંત-સિદ્ધાંત’ દ્વારા આ ઉદ્દેશ્ય રહ્યો છે. ઘડતરનાં ઘરેણાં સમાન
આ પુસ્તક નવી જ શૈલીથી મુમુક્ષુ પાઠકગણ સમક્ષ મૂકતાં અમો આનંદ અનુભવીએ છીએ.
આ પુસ્તક પ્રકાશનમાં ધરમપુરવાળા અ.નિ. શ્રી નરશીભાઈ ડાયાભાઈ પટેલ તથા અ.નિ. ગોમતીબેન નરશીભાઈ પટેલની સ્મૃતિમાં સંસ્થાના નિષ્ઠાવાન સેવક પ.ભ. શ્રી કાંતિભાઈ નરશીભાઈ પટેલ પરિવારનો સેવા સહયોગ પ્રાપ્ત થયો છે. ટાઈપ સેટીંગ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી ચિરાગ સી. બાવીશી અને સંકલનની સેવા સાધુ શ્રી રસિકવલ્લભદાસજી સ્વામી તથા કલા સંયોજન સાધુ શ્રી વિશ્વસ્વરૂપદાસજી સ્વામીનું રહ્યું છે. પ્રુફરીડીંગ શ્રી સુરેશ રા. ભટ્ટે કર્યું છે. શ્રીહરિની તે સૌના ઉપર પ્રસન્નતા ઊતરે એવી પ્રાર્થના.
આ પ્રકાશનમાં શરતચૂકથી સહજપણે રહી ગયેલી ક્ષતિને ધ્યાનમાં ન લેતાં ‘સારું એટલું મારું’ એ ગુણગ્રાહી ભાવે જીવનમાં વણી લઈ જીવનને દૃષ્ટાંતરૂપ બનાવશો એ જ અભ્યર્થના...