રજનીકુમાર પંડ્યાની નવલકથા 'અવતાર' એક બનાવટી રાજકુમાર અને તેણે પોતાની આસપાસ રચેલી ભેદભરમની સૃષ્ટિની દિલધડક કથા છે. 1997માં મશહુર અભિનેતા અને નાટ્યનિર્માતા અરવિંદ જોશી દ્વારા તેના હકો મેળવીને મુંબઇમાં પૂર્ણ સમયનું નાટક 'આયના તૂટે તો બને આભલાં'નું સફળ નિર્માણ કરવામાં આવેલું. એ પછી મે 2012માં મુબઇના મશહૂર ફિલ્મ નિર્માતા સિધ્ધાર્થ જૈન દ્વારા તેમની હિંદી ફિલ્મ નિર્માણસંસ્થા IMPl/iRocks/Irock દ્વારા હિંદી ફિલ્મ માટેના હકો ખરીદવામાં આવેલા. કોઇ કારણવશાત તેઓ 7 વર્ષની મુદતમાં ફિલ્મનિર્માણ ન કરી શકતાં તેના તમામ હકો રજનીકુમાર પંડ્યા પાસે મે, 2019 થી પરત આવી ગયા છે. થ્રીલર પ્રકારની આ નવલકથાનું કેન્દ્રીય પાત્ર પ્રિન્સ અમરજિત છે, જે અસલમાં એક અભિનેતા બનવા માંગતો હતો. બનાવટી પ્રિન્સ તરીકે પોતે જ ઉભી કરેલી સૃષ્ટિમાં તે જાતભાતના ખેલ રચે છે અને લોકોને છેતરે છે. સોનલ નામની યુવતી તેના પ્રેમમાં પડે છે, અને ઘટનાઓના આટાપાટા એવા રચાય છે કે આખરે પ્રિન્સ સોનલ સમક્ષ પોતાનો ભેદ જાતે જ ખોલી દે છે. સોનાનું સ્મગલિંગ, બંધ બનવાને કારણે ડૂબાણમાં જવા આવેલું ગામ, એ ગામમાં ઉગતી અદ્ભુત ઉપચારક ઔષધિઓ, તેને લઈને ગામને કુનેહપૂર્વક બચાવવાના પ્રયાસો, પૂર્વાશ્રમના પ્રેમસંબંધ વગેરે પેટાકથાઓ મૂળ કથાના રોમાંચમાં ઉમેરો કરે છે. બનાવટી રાજકુમારના એક તદ્દન સાચા પાત્રના કથાબીજમાંથી વિકસાવેલી આ કથા અનેક ઘટનાઓના ઉતારચડાવમા પસાર થતી છેક અંત સુધી વાચકને જકડી રાખે છે.
Beletrystyka i literatura